નિરામય – વૈદ્ય મનુભાઈ ગૌદાની (In Gujrati)

એક ‘ક’ નામના બહેન મળવા આવ્યાં. પ્રૌઢ અવસ્થા, અતિ સ્થૂળ શરીર, ચમકતો ગોળમટોળ અને ભરાવદાર ચહેરો, આ બહેનની મુખ્ય તકલીફ વધારે પડતું વજન-મેદસ્વિતા અને એનાથી ઉત્પન્ન થતી દૈનિક જીવનની તકલીફો. તેમના કહેવા પ્રમાણે શરૂઆતમાં યુવાનીમાં તેઓ પાતળા અને સપ્રમાણ હતાં. લગ્ન પછી ચાર-પાંચ વર્ષ તો તેમનું શરીર ખૂબ જ માપસર હતું, પરંતુ પ્રથમ પ્રસૂતિ પછી તેમનું શરીર વધવા લાગ્યું. ત્રીજી છેલ્લી પ્રસૂતિ પછી તો વજન એકદમ વધી ગયું. પેડૂ, પેટ, પીઠ, પડખાં, કમર અને સાથળનો ભાગ તો એકદમ વધી ગયો અને દૈનિક કાર્યોમાં-ઊઠવા- બેસવામાં ખૂબ જ તકલીફ પડવા લાગી. તેમણે વજન ઘટાડવા માટે થોડા પ્રયત્નો કરેલા, પરંતુ કોઈ ખાસ પરિણામ મળેલું નહીં. આખરે તેઓ મક્કમ નિર્ણય કરી આયુર્વેદિય ઉપચાર માટે આવેલાં અને અમે તેમને સૂચવેલા નિમ્ન ઉપચારથી ઉત્તમ પરિણામ મળેલું.

આ ‘ક’ નામનાં બહેનની જેમ ઘણી વ્યક્તિઓને આ ‘અતિ સ્થૂળતા’ નામની તકલીફ શારીરિક અને માનસિક રીતે સંતાપ આપતી હશે. આવી વ્યક્તિઓને ઉપયોગી થાય એવું ‘ક’ને સૂચવેલા ઉપચારનું અહીં નિરૂપણ કરું છું. વજન ઘટાડવા માટે થોડી દૃઢ સંકલ્પશક્તિ સાથે તમે આ ઉપચાર દ્વારા અવશ્ય વજન ઘટાડીને તમારી ઇચ્છા પ્રમાણે તેને કાબૂમાં રાખી શકો છો.

આ યોજના પ્રમાણે તમે ૧૫થી ૨૦ દિવસે એકાદ કિલો વજન ઘટાડી શકો. એકદમ વજન ઘટાડવા કરતાં ધીમે ધીમે વજન ઘટાડવાથી હાથ, ગરદન, પેટ, નિતંબ વગેરે અવયવોની ચામડી ઢીલી પડશે નહીં, કરચલીઓ થશે નહીં.

વજન ઘટાડવાનો કાર્યક્રમ પ્રાતઃ કાળથી ઊઠતાં જ ચાલુ કરો. શૌચાદિ ક્રિયાઓ પતાવી સવારે માત્ર એકથી દોઢ ગ્લાસ તાજું પાણી તેમાં અડધું લીંબુ નીચોવી પી શકાય. સવારે ચાની ટેવ હોય તો મલાઈ વગરના એકદમ પાતળા દૂધની સાવ ઓછી ખાંડ નાંખેલી થોડી ચા પીવો, સાથે એકાદ કોરો ખાખરો ખાઈ શકાય.

બપોરના આહારમાં પાતળી દાળ, કચુંબર, પાતળી છાશ, લીલાં શાકભાજી હિતાવહ છે. સંતોષથી જમવું નહીં. ચાર રોટલીની ભૂખ હોય તો બે જ ખાવી. એ પણ કોરી જ.

આયુર્વેદમાં ‘દિવાસ્વાપ’ને એટલે કે બપોરની ઊંઘને વજન વધારનારી કહી છે. એટલે મેદસ્વી લોકોને બારે મહિના બપોરે ઊંઘવાની મનાઈ કરી છે. માત્ર ગ્રીષ્મમાં બપોરે થોડો આરામ કરી શકાય, ઊંઘ નહીં.

રાત્રિના આહારમાં પણ કોરી રોટલી કે ભાખરી, પાંદડાંવાળાં બાફેલાં શાકભાજી, મલાઈ વગરનું થોડું દૂધ અથવા પાતળી છાશ અને ભૂખથી અડધો આહાર.

સામાન્ય રીતે મીઠાનો-નમકનો ઉપયોગ વજન વધારવામાં સહાયક બને છે. મીઠાઈઓ ગળપણ તો અતિ મેદ વધારે છે. એટલે નમક અને મીઠાઈઓ બંધ કરવી. નમક સાવ ઓછું જ નાખવું.

સ્થૂળતા ઓછી કરવા માટે આહારનું આયોજન મુખ્ય ઉપચાર બની રહે છે. ચરબી-મેદ ઉતારવા માટે નીચેની બાબતો યાદ રાખો અને ઉપચારમાં મૂકો.

(૧) ભૂખ હોય તેથી અડધું જ કે ઓછું ખાવું. (૨) ઉકાળેલું જ પાણી પીવું. (૩) ભૂખ ન લાગે તો ખાવું જ નહીં. (૪) દિવસમાં વારંવાર ન ખાવું. (૫) દર ચોથા કે પાંચમા દિવસે હળવો ઉપવાસ કરવો. ઉપવાસમાં લીંબુનું પાણી, મગનું પાણી, ચા વગેરે લેવા. (૬) ખાંડ, મીઠાઈઓ, સૂકોમેવો, ઘી, તેલ, માખણ, મલાઈ, ભાત, બટાટા બંધ કરવા. (૭) બપોરે ઊંઘવું નહીં. (૮) અઠવાડિયામાં બે વાર કે દર ચોથા દિવસે ત્રિફળા ક્વાથથી હળવો જુલાબ લેવો. (૯) ઋતુ પ્રમાણે હળવી કસરત કરવી. (૧૦) આહાર લોલુપતા છોડો. (૧૧) આયુર્વેદમાં ગૂગળને મેદઘ્ન કહેવાયો છે. એટલે કે સવારે અને રાત્રે બે-બે ગોળી મેદોહર ગૂગળની લેવી. (૧૨) ભૂખ વધારે લાગે તો ગ્રીન સલાડ વધારે ખાવા.

આ પ્રમાણે દૃઢ ઇચ્છાશક્તિ કેળવી ઉપર્યુક્ત ઉપચાર સાથે દરરોજ બેથી ત્રણ કિલોમીટર પગપાળા ચાલશો તો અવશ્ય વજન ઘટાડી શકશો.

Source LInk: http://www.indiapress.org/gen/news.php/Sandesh/400×60/0

This entry was posted in Beauty, Health and Fitness, Uncategorized. Bookmark the permalink.